“હું બીજા મનુષ્ય જેવો જ હતો, મારી શય્યા પર નિદ્રાવશ, ત્યારે જૂઓ, સર્વ-કીર્તિમાનના મંદ-મંદ પવન મારી પરથી પસાર થયા, અને જે સમસ્ત અસ્તિત્વમાં રહ્યું છે તેનું જ્ઞાન તેમણે મને પ્રદાન કર્યું. આ વસ્તુ મારામાંથી નહીં, બલકે તેનામાંથી ઉદ્ભવી છે જે સર્વસમર્થ અને સર્વજ્ઞ છે... તેનો બાધ્યકારી આદેશ મને પહોંચ્યો છે, અને તેણે લોકોમાં મારી પાસેથી તેની સ્તુતિ કરાવી છે.”


બહાઉલ્લાહ

ઓગણીસમી સદીના મધ્યના દાયકાઓ સમસ્ત માનવજાતિ માટે એક નવ-જાગૃતિનો સમય હતો. યુરોપ, દક્ષિણ અમેરિકા, ચીન, ભારત અને ઉત્તર અમેરિકામાં લોકો દમનકારી રાજકીય અને સામાજિક વ્યવસ્થાઓ વિરૂદ્ધ અવાજ ઊઠાવી રહ્યા હતા. એવું લાગતું હતું કે માનવ-ચેતના જાણે એક નિષ્ક્રિયતા અને પરાધીનતાની દીર્ઘ રાત્રિ બાદ જાગૃત થઈ રહી હતી.

દુનિયાભરમાં એક એવી સ્વપ્નદ્રષ્ટિ માટે ઉત્કંઠા હતી જે ન્યાય, સમાનતા અને કુલીનતા પર આધારિત હોય. પૃથ્વી પર એક મહાન નૂતન યુગનો ઉષાકાળ પ્રસરી રહ્યો હોય એવી અનુભૂતિ તે કાળના કવિઓના શબ્દોમાં પણ દેખાતી હતી. મહાકવિ રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું, “વર્તમાન યુગમાં પ્રત્યેક વ્યક્તિને આહ્વાન મળ્યું છે કે તે તેનીજાતને અને તેની આસપાસની પરિસ્થિતિઓને એક એવા નવયુગની પરોઢ માટે તૈયાર કરે કે જ્યારે મનુષ્ય તેના આત્માને સમસ્ત માનવજાતિની આધ્યાત્મિક એકતામાં જોઈ શકશે.”

આવા સમયે, વિશ્વ અજાણ હતું ત્યારે, બહાઉલ્લાહના અવતરણ સાથે ઈરાનમાં પરમેશ્વરના એક નવા સંદેશનો સૂર્ય ઊગ્યો. બહાઉલ્લાહ, માનવજાતિની પરિપક્વતા માટે પરમેશ્વરના અવતાર છે, જેમણે શિખવ્યુ છે કે પરમેશ્વર એક છે, વિશ્વના બધા ધર્મો એક જ પરમેશ્વર પાસેથી આવ્યા છે અને તેમનો સાર એક છે, અને પૃથ્વી પર માનવજાતિની એકતાનો સમય આવી ગયો છે.

વિશ્વના બીજા મહાન ધર્મોના સંસ્થાપક-અવતારોમાં જે દિવ્ય ગુણ પ્રદર્શિત હતા તે જ ગુણ બહાઉલ્લાહના જીવનમાં પણ દેખીતા હતા. તેમનો જન્મ 1817માં એક અત્યંત શ્રીમંત અને ઉમરાવ કુટુંબમાં થયો હતો. નાનપણથી જ તેમનામાં અસાધારણ પ્રજ્ઞતા, ભલમનસાઈ, ઉદારતા અને ન્યાય દેખાતા હતા. તેમના પિતાના સ્વર્ગવાસ બાદ તેમને રાજાના દરબારમાં એક ઊચ્ચ હોદ્દો અપાયો, પણ તેમણે એનો વિનમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો અને પોતાનો સમય દમનગ્રસ્ત, બીમાર અને ગરીબ લોકોની સેવામાં વિતાવવાનું પસંદ કર્યું.

ઓગણીસમી સદીની મધ્યમાં જ્યારે બહાઉલ્લાહે નવા ધર્મના સંસ્થાપક-અવતાર તરીકે તેમના જીવનધ્યેયની ઘોષણા કરી ત્યારે, તેમણે પ્રગટ કરેલા સિદ્ધાંતોની આધુનિકતા ક્રાંતિકારી હતી. તેમનો મુખ્ય સિદ્ધાંત – કે માનવજાતિની એકતાની સ્થાપનાનો સમય આવી ગયો છે – તે સામાજિક સિધ્ધાંતોથી પૂરક હતો જેમ કે સ્ત્રી અને પુરુષની સમાનતા, વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સુમેળ, સત્યની સ્વતંત્રપણે શોધ કરવાની આવશ્યકતા, પુરોહિતવર્ગની નાબૂદી, બધા પ્રકારના પૂર્વગ્રહોનો ત્યાગ અને વિશ્વવ્યાપી શિક્ષણ.

બહાઉલ્લાહના શિક્ષણોનો ત્યારના રૂઢિચુસ્ત ધાર્મિક અને રાજકીય કટ્ટરવાદી વર્ગોએ સખત વિરોધ કર્યો. ઈરાનના શિયા ઈસ્લામના ધર્મગુરૂઓની સાથે સૌથી શક્તિશાળી બે રાજાઓએ – ઈરાનના શાહ અને તુર્કીના સમ્રાટ – તેમના ધર્મનો વિનાશ કરવાના શક્ય તેટલા બધા પ્રયત્ન કર્યા. તેમની આખી સંપત્તિ તેમની પાસેથી છિનવાઈ લેવાઈ, તેમને યાતના આપવામાં આવી, મારવામાં આવ્યા, બેડીઓમાં કેદ કરવામાં આવ્યા, અને અંતે તુર્કી સામ્રાજ્યની કારનાગરી અક્કામા તેમનો સ્વર્ગવાસ થયો ત્યાં સુંધી તેમનો ચાર વખત એક દેશમાંથી બીજા દેશમાં દેશનિકાલ કરવામાં આવ્યો.

આ બધી યાતનાઓ આપવામાં આવી હોવા છતાં, બહાઉલ્લાહનું ધ્યેય ક્યારેય વિચલિત ન થયું. માનવજાતિના માર્ગદર્શન માટે તેમણે એકસોથી વધુ પવિત્ર શાસ્ત્રો પ્રગટ કર્યા છે, તેમને માનવજાતિની કુલીનતામાં અજેય વિશ્વાસ હતો, જ્યાં સુંધી તે વિકાસ પામી શકે છે અને અને માનવજાતિની નિયતી પ્રાપ્ત કરવા માટે જે પરિવર્તન આવશ્યક છે તેના બીજ વાવવાથી કોઈ દુઃખ કે બલિદાનની કોઈ માત્રા બહાઉલ્લાહને રોકી શકે તેમ ન હતું. તેમના દુશ્મનોનો અવિરત વિરોધ છતાંયે તેમના જીવનકાળ દરમિયાન તેમનો પ્રભાવ વધતો ગયો. જ્યાં જ્યાં પણ તેમનો દેશનિકાલ થયો ત્યાં ત્યાં, હજારો લોકો તેમના શિક્ષણો, અને તેમના દિવ્ય વ્યક્તિત્વનો પ્રેમ, શક્તિશાળી પ્રભાવ અને ગૌરવથી આકર્ષાયા. આજે તેમનું જીવન અને શિક્ષણોમાંથી જેમણે સંગઠિત વિશ્વનું નિર્માણ કરવાની પ્રેરણા પ્રાપ્ત કરી છે એવા સાઇઠ લાખથી વધારે અનુયાયી સાથે તેમનો ધર્મ વિશ્વના દરેક ખૂણે પ્રસરી ગયો છે,

બહાઉલ્લાહના સ્વર્ગવાસના થોડા સમય પૂર્વે ઈંગ્લેંડના એક ઈતિહાસકાર એડવર્ડ ગ્રેનવિલ બ્રાઉન તેમને મળવા ગયા હતા, જેમણે બહાઉલ્લાહનું આવી રીતે વર્ણન કર્યું છે. “જે મુખારવિંદ પર મેં મીટ માંડી તેને હું ક્યારેય ભૂલી નહીં શકું, પણ તેનું વર્ણન કરવા માટે હું અસમર્થ છું. એ તીક્ષ્ણ આંખો જાણે મનુષ્યનો આત્મા વાંચતી હતી. એ વિશાળ ભ્રમર પર શક્તિ અને સત્તા બિરાજમાન હતા.. કોની ઉપસ્થિતિમાં હું ઊભો હતો તે પૂછવું બિનજરૂરી હતું, મે તેમની સમક્ષ નમન કર્યા જે એવી ભક્તિ અને પ્રેમના લક્ષ્ય છે જેની રાજાઓને ઈર્ષ્યા થાય અને સમ્રાટો વ્યર્થપણે આકાંક્ષા કરે.”

Exploring this topic:

The Life of Bahá’u’lláh

The Early Bahá’í Community

The Shrine of Bahá’u’lláh

Quotations

Articles and Resources

Scroll Up