“બહાઉલ્લાહે આદેશ કર્યો છે કે વિશ્વના સર્વ ધર્મના લોકો માટે ઉપાસના સ્થળ બંધાવા જોઈએ, કે જેથી બધા ધર્મો, જાતિઓ અને સંપ્રદાયો એક સર્વસામાન્ય છત્રછાયા તળે ભેગા થઈ શકે; કે જેથી માનવજાતિના એકત્વની ઉદઘોષણા તેના પવિત્રતાના ખુલ્લા દરબારોમાંથી ચારેકોર ફેલાય.”અબ્દુલ બહા

બહાઈઓ માટે ભક્તિમય જીવન, પ્રાર્થના અને ધ્યાનમાં વીતાવેલો સમય – માત્ર વ્યક્તિગત સંતોષ નથી હોતો; તે વ્યક્તિઓને અને સમુદાયોને વિશ્વના હિત માટે તેમની આધ્યાત્મિક ઉર્જાને કાર્યમાં પરિવર્તિત કરવાની પ્રેરણા આપે છે.

ઉપાસના અને સેવા વચ્ચેના સંબંધની દીર્ઘદ્રષ્ટિ સાથે, પ્રાર્થના કર્મોમાં પરિણમે છે અને કર્મોમાં આધ્યાત્મિકતા આવે છે. એક આધ્યાત્મિક પથ પર વ્યવહારિક પગલે આધ્યાત્મિક માર્ગે ચાલવાનું શક્ય બને છે. ભારતભરમાં ગામોમાં અને પાડોશ-વિસ્તારોમાં એવા સામુદાયિક જીવનની શૈલીનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં ઉપાસના અને સેવાના તત્વો એકબીજાં સાથે વણાયેલાં છે.

નવી દિલ્હી સ્થિત બહાઈ ઉપાસના મંદિર, જે કમળ મંદિરના નામે પ્રચલિત છે, તે બહાઈ જીવનના આ બે તત્વો – ઉપાસના અને સેવા – ને એકસાથે લાવે છે. આ ઉપાસના મંદિરના કેન્દ્રમાં પ્રાર્થનાગૃહ છે, તેના નવ પ્રવેશદ્વાર છે જે સર્વ ધર્મોના એકત્વના, અને બધા સંદેશવાહકો કે અવતારોના શિક્ષણો પરમેશ્વર પાસે લઈ જતાં દ્વાર હોવાના પ્રતિકરૂપ છે. આ મંદિરની ચારેબાજુ લીલાંછમ ઉદ્યાન છે જે ઉપાસકોને પ્રાર્થના માટે આધ્યાત્મિક તૈયારી કરવામાં સહાયરૂપ થાય છે. ભવિષ્યમાં મંદિરની આસપાસ વિવિધ આશ્રિત સંસ્થાઓ બંધાશે જે લોકોની ભૌતિક અને શૈક્ષણિક જરૂરિયાતોની સેવા કરશે. મંદિરમાં થતી પ્રાર્થના તથા ધ્યાનની ચેતના દિલ્હી તેમ જ તેની આસપાસના ક્ષેત્રોના પાડોશ-વિસ્તારોની અનેક સમુદાય-નિર્માણની પ્રવૃત્તિઓમાં પ્રસરી રહી છે.

 
Scroll Up