“તમે જે યુગમાં રહો છો તેની જરૂરિયાતો વિષે ઉત્કટપણે ચિંતિત રહો, અને તેની તાકીદીની આવશ્યકતાઓ અને જરૂરિયાતો પર તમારી ચર્ચાઓને કેન્દ્રિત કરો.”



બહાઉલ્લાહ

માનવજાતિએ પરિપક્વતામાં પ્રવેશ કરવા માટે સામાજિક જીવનના જે વિવિધ પાસાંઓમાં પરિવર્તન લાવવું પડશે તેમાંનું એક છે કેટલીક મૂળભૂત બાબતો વિષેના અભિગમ, વિચારધારા અને વિભાવનામાં પરિવર્તન. આ સંદર્ભમાં, વિશ્વવ્યાપી બહાઈ સમુદાય માટે એક મુખ્ય શીખનું ક્ષેત્ર છે આ પરિવર્તનની પ્રક્રિયામાં વિચારસરણીને સ્તરે યોગદાન આપવું. બહાઈ સમુદાયો વિવિધ સામાજિક વિષયોના પરિસંવાદોમાં સહભાગી થઈ રહ્યા છે, જેમ કે સ્ત્રી અને પુરુષની સમાનતા, વિશ્વશાંતિ, વહીવટ, સ્વાસ્થ્ય, સમાજ-વિકાસ, વગેરે.

આ પરિસંવાદોમાં સહભાગી થવાનો હેતુ બીજાંઓને બહાઈ દ્રષ્ટિબિંદુનો સ્વીકાર કરાવવાનો નથી હોતો. ન તો તે એક જનસંપર્ક વિકાસનું કાર્ય હોય છે, કે ન તે માત્ર એક તાર્કિક-સૈદ્ધાંતિક પ્રવૃત્તિ હોય છે. બલકે બહાઈઓનું ધ્યેય હોય છે એકબીજા પાસેથી શિખવાનું અને એક યથાર્થ વાર્તાલાપ કરવાનું. માનવજાતિ સમક્ષ જે સમસ્યાઓ ઊભી છે, જેમ કે પર્યાવરણમાં બદલાવ, સ્ત્રીઓનું સ્વાસ્થ્ય, અનાજ ઉત્પાદન અને ગરીબી નિવારણ, વગેરે વિષે બહાઈઓ કોઈ નિશ્ચિત નિરાકરણ પ્રસ્તુત કરવાનો હેતુ નથી ધરાવતા. બલકે માનવ-સંસ્કૃતિના વિકાસ માટે બહાઉલ્લાહના શિક્ષણોને અમલમાં મૂકવાના તેમના પ્રયાસો દ્વારા તેઓ જે પાઠ શીખી રહ્યા છે તેમની બીજાઓ સાથે આપ-લે કરવા માટે, તેમ જ તેમની પાસેથી આ વિષે શિખવા માટે તેઓ ઉત્સુક છે.

સ્ત્રી-પુરુષની સમાનતા, સામાજિક અને આર્થિક વિકાસ, સમાજમાં ધર્મની ભૂમિકા, બાળકોના હક, અને સામાજિક પરિવર્તનમાં યુવાનોનો ફાળો, વગેરે વિષયો પરના પરિસંવાદોમાં ભારતના બહાઈ સમુદાયના ફાળાનો ઈતિહાસ નોંધપાત્ર રહ્યો છે.