“સંસ્કૃતિ અનાવૃત્ત થઈ છે. રાષ્ટ્રો વિકસિત થયાં છે...વિજ્ઞાન, આવિષ્કાર અને સંશોધનમાં અભિવૃદ્ધિ થઈ છે. આ સઘળું દર્શાવે છે કે વિશ્વ અવિરત પ્રગતિ અને વિકાસ કરી રહ્યું છે. એટલે મનુષ્યના એવા ગુણો જે તેની પરિપક્વતાના લક્ષણો દર્શાવે છે, નિશ્ચિતપણે તેમાં પણ વિકાસ અને વૃદ્ધિ થવી જોઈએ.”



અબ્દુલબહા

આજે માનવજાતિ એક સંક્રાન્તિ કાળમાંથી પસાર થઈ રહી છે જયાં તે બાળપણની અપરિપક્વતાને પાછળ છોડી દઈને પરિપક્વતાના ઊંબરે પહોંચી રહી છે. સમસ્ત વિશ્વની સાથે ભારતનો સમાજ પણ એવા મૂંઝવણભર્યા ફેરફારો નિહાળી રહ્યો છે જેમાં પ્રણાલીઓ, માળખાઓ અને પહેલાંની પરંપરાઓ પ્રવર્તમાન વિશ્વની જટિલ વાસ્તવિક્તાઓને ઉકેલવા માટે અસમર્થ છે. સંક્રાન્તિની આ પ્રક્રિયાના માર્ગદર્શન અને ઉદય માટે દરેક જગ્યાએ વ્યક્તિગત અને સમાજના સ્તરે નૈતિક પુનઃનિર્માણ માટેની માંગ વધી રહી છે.

ઐતિહાસિક રીતે, ધર્મ માનવ સ્વભાવને સુસંસ્કૃત કરવા માટેનું પ્રાથમિક બળ રહ્યું છે, અને નીતિમત્તા તથા કાયદાના સંદર્ભમાં તેના યોગદાનને કારણે જ સામાજિક સંબધો સુરક્ષિત રહ્યા છે. કૃષ્ણ, બુદ્ધ, જરથુષ્ટ્ર, મુસા, ઈશુ ખ્રિસ્ત અને મહમ્મદ જેવા પરમેશ્વરના અવતારોએ દરેક યુગની જરૂરિયાત અનુસાર આધ્યાત્મિક અને નૈતિક સિદ્ધાંતો પ્રગટ કરીને માનવ-સંસ્કૃતિનો વિકાસ કર્યો છે.

બહાઈ ધર્મ દિવ્ય પ્રગટીકરણની આ અનંત પ્રક્રિયાનું સૌથી નવું પ્રકરણ છે. બહાઈ ધર્મના સંસ્થાપક-અવતાર બહાઉલ્લાહે પ્રગટ કર્યું છે કે માનવજાતિ આજે તેની સામૂહિક ઉત્ક્રાંતિનાં એક એવા મુકામ પર પહોંચી છે જ્યાં તેની પાસે માનવજાતની એકતા હાંસલ કરવા માટે જરૂરી શક્તિઓ અને ક્ષમતાઓ છે. આ એકતા, જે માનવજાતના આવનાર યુગની એક વિશેષ મહોર હશે, તેમાં વ્યક્તિ, સમુદાય અને સંસ્થાઓનું સંપૂર્ણ નવનિર્માણનો સમાવેશ થશે.

સંક્રાન્તિના આ યુગમાં બહાઈ ધર્મનો ઉદ્દેશ વ્યક્તિનું અંતરિક જીવન તથા સમાજની સંરચનાઓના સેન્દ્રિય પરિવર્તનને પ્રેરણા, પોષણ અને માર્ગદર્શન આપવાનો છે, કે જેથી આપણે માનવજાતિની એકતાનું લક્ષ્ય તરફ આગળ વધી શકીએ.