“પરમેશ્વરની પવિત્ર ઇચ્છાના સ્વર્ગમાંથી પ્રગટ થયેલા ધર્મનો ઉદ્દેશ વિશ્વની પ્રજાઓમાં એકતા અને સુમેળની સ્થાપના કરવાનો છે; તેને મતભેદ અને કલહનું કારણ ન બનાવો.”


બહાઉલ્લાહ

બહાઈ ધર્મનો પ્રારંભ થયો ત્યારથી જ ભારતવર્ષનો તેના ઈતિહાસ સાથે ઘનિષ્ટ સંબંધ રહ્યો છે. બાબ (બહાઉલ્લાહના અગ્રદૂત) ના સૌથી પહેલા અનુયાયીઓમાંનો એક, સઈદે હિંદી, ભારતીય હતો. બાબ ના ટૂંકા જીવનકાળ દરમ્યાન તેમના દિવ્ય સ્થાનનો સ્વીકાર કરનારા પૈકી ઘણા લોકો ભારતમાંથી હતા. બાબના જીવનકાળ દરમિયાન તેમના દિવ્ય શિક્ષણોનો પ્રકાશ ભારતમાં મુંબઈ, હૈદ્રાબાદ, જૌનપુર, રામપુર, પાલમપુર, વગેરે શહેરો તથા ગામોમાં પહોંચ્યો હતો.

બહાઉલ્લાહનાં શિક્ષણો ભારતમાં પ્રથમ વાર એક ફારસી ઉમરાવ જમાલ એફેન્દી દ્વારા લાવવામાં આવ્યા હતા, જેમણે આખા દેશમાં પ્રવાસ કર્યો હતો. તેમણે ઉત્તરમાં લખનઉ અને રામપુર, પૂર્વમાં કલકત્તા અને રંગૂન, પશ્ચિમમાં મુંબઈ અને વડોદરાથી દક્ષિણમાં ચેન્નઈ અને કોલંબો સુંધીનો પ્રવાસ કર્યો હતો. તેમણે બહાઉલ્લાહનો એકતા અને ભાઈચારાનો સંદેશ તેઓ જે સર્વ લોકોને મળ્યા તેમને – નવાબો અને રાજકુમારો, સરકારી અફસરો તેમ જ સામાન્ય લોકોને આપ્યો હતો. તે સમયના ભારતના રીત-રિવાજોથી પર જઈને તેઓ વિવિધ જાતિઓ, ધર્મો તથા સામાજિક વર્ગોના લોકો સાથે એકસરખી રીતે હળ્યામળ્યા હતા.

ઓગણીસમી સદીના અંત સુધીમાં મુંબઈ, દિલ્હી, પૂણે અને હૈદ્રાબાદમાં નાના નાના બહાઈ સમુદાયોની સ્થાપના થઈ હતી. 1923માં, દેશભરના સતત વિકસી રહેલા અનેક સ્થાનિક બહાઈ સમુદાયોના કામકાજના સંચાલન માટે બહાઈ રાષ્ટ્રીય વહીવટી સંસ્થાની સૌપ્રથમ વાર ચૂંટણી થઈ હતી.

વીસમી સદીના પ્રારંભના દશકાઓમાં ભારતના બહાઈ સમુદાયની સંખ્યા તથા ક્ષમતામાં જેમ જેમ વૃદ્ધિ થતી ગઈ તેમ તેમ ધીમે ધીમે બહાઉલ્લાહના શિક્ષણો ભારતના ત્યારના નેતાઓ તથા વિચારકોના ધ્યાનમાં આવ્યા. મહાત્મા ગાંધીજીએ વિવિધ બહાઈઓ સાથે તેમનો પરિચય થયા પછી તેમણે કહ્યું હતું, “બહાઈ ધર્મ માનવજાતિ માટે એક આશ્વાસન છે.” રવીન્દ્રનાથ ટાગોરે ઘણાં અગ્રગણ્ય બહાઈઓને મળ્યા પછી તેમણે કહ્યું હતું કે બહાઉલ્લાહ “એશિયાના સૌથી અદ્યતન અવતાર” છે જેમનો “સંદેશ માનવ સંસ્કૃતિના વિકાસ માટે અત્યંત મહત્વનો છે”.

1960 અને 1970 ના દાયકામાં બહાઉલ્લાહનો સંદેશ ભારતના વિશાળ જનસમૂહમાં અને ખાસ કરીને ગ્રામીણ લોકોમાં પહોંચાડવાનો પ્રારંભ થયો. બહાઈ ધર્મનાં શિક્ષણો જે લોકો સુધી પહોંચ્યાં તેમાંના ઘણાનાં હ્રદયોએ આ શિક્ષણોનું મૂલ્ય સ્વયંસ્ફૂરિતપણે ઓળખ્યું, અને લાખો ભારતીયોએ આ શિક્ષણોમાં ભારતના સદીઓ પુરાણા સ્વપ્ન “વસુધૈવ કુટુંબકમ્” ને સાકાર થતું જોયું. આ પુરાણા આદર્શનો અદ્યતન સમાજની આવશ્યકતાઓ સાથે સુમેળ સ્થાપવા માટે તેમને એક નવી સ્ફૂરણા અને દિશા પ્રાપ્ત થઈ.

પોતાના સમુદાયો સમક્ષ જે સમસ્યાઓ ઊભી છે તેને ઉકેલવા માટે હજારો લોકો આ શિક્ષણોને અમલમાં મૂકી રહ્યા છે. આખા દેશમાં, સ્થાનિક સમુદાયોમાં લોકશાહી-ચૂંટણી દ્વારા બહાઈ વહીવટી સંસ્થાઓની સ્થાપના થઈ છે, અને આ સંસ્થાઓ તેમના સમુદાયોની સેવામાં વ્યસ્ત છે. બાળકોના નૈતિક શિક્ષણને એક નવીન તાકીદી મળી છે, અને ભારતભરમાં અનેક ગામોમાં અનેક શૈક્ષણિક પહેલોનો ઉદભવ થયો છે. 1980 સુધીમાં હજારેક ગ્રામીણ શાળાઓ, અને બહાઈ શિક્ષણો દ્વારા પ્રેરિત અનેક મોટી શાળાઓની સ્થાપના થઈ હતી, અને સાથે સાથે કૃષિ, વ્યવસાયી અને શૈક્ષણિક તાલીમ, સાક્ષરતા, પર્યાવરણનું સંરક્ષણ, સ્ત્રી સશક્તિકરણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રોમાં વિવિધ પરિયોજનાઓની સ્થાપના કરવામાં આવી હતી.

માનવ હ્રદય અને સમાજ માટે બહાઉલ્લાહે જે પ્રકારના પરિવર્તનનું સ્વપ્ન જોયું છે તેનું સૌથી જાણીતું પ્રતિક કદાચ નવી દિલ્હી સ્થિત બહાઈ ઉપાસના મંદિર – કમળ મંદિર – છે. તેની કમળના ફૂલની રચના એ સિદ્ધાંતને પ્રતિબિંબિત કરે છે કે અતિશય ભીષણ પરિસ્થિતિઓમાંથી પણ એક નવીન અને સુંદર વિશ્વ ઉદભવી શકે છે. તે એકતાનું પણ એક ચિન્હ છે. 1986માં તેનું ઉદઘાટન થયું છે ત્યારથી વિવિધ ધર્મ, જાતિ અને રાષ્ટ્રોમાંથી દરરોજ સરેરાસ દસ હજારથી વધારે લોકો તેની મુલાકાત લે છે અને તેના ગુંબજ તળે એકમાત્ર એવા પરમેશ્વરની પ્રાર્થના કરે છે

જેમ જેમ ભારતના બહાઈ સમુદાયનો તેનું કદ અને ક્ષમતામાં વિકાસ થતો ગયો તેંમ તેમ તેણે તેની આસપાસના સમાજના જીવનમાં વધુ ને વધુ અસરકારક ભાગ ભજવવાની શરૂઆત કરી. સાંપ્રદાયિક સદભાવ, સ્ત્રી-પુરુષની સમાનતા, શિક્ષણ, સંચાલન અને વિકાસ વિષેના બહાઈ વિચાર રાષ્ટ્રીય સ્તરના પરિસંવાદોમાં અત્યંત માનપાત્ર બન્યા છે.

આજે ભારતમાં બહાઈઓની સંખ્યા વીસ લાખથી વધારે છે. તેઓ તેમના દેશબંધુઓ સાથે એવા સમાજનું નિર્માણ કરવા માટે સમર્પિત છે જે એકતા અને ન્યાયનું મૂર્તરૂપ હોય, જે બધા પ્રકારના પૂર્વગ્રહોથી મુક્ત હોય, જેમાં સ્ત્રીઓ અને પુરુષો સમાનપણે ખભેખભા મિલાવીને સમાજની સેવામાં વ્યસ્ત હોય, જેમાં બાળકો તથા યુવાનો શ્રેષ્ડ કક્ષાનું આધ્યાત્મિક અને બૌદ્ધિક શિક્ષણ મેળવતા હોય અને જેમાં સમુદાયનું ભક્તિમય જીવન તેને હાનિકારક તત્વોથી સુરક્ષિત રાખતું હોય.